આફ્રિકામાં ગુજરાતીઓની દુકાનોને આગ લગાડી:
મોઝામ્બિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં ત્યાં વસતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે. જેમાં અનેક ગુજરાતીઓ ઘર વિહોણા બન્યાં છે. જેથી તેઓ અન્ય લોકોના ઘરે શરણાર્થી બનીને રહેવા મજબૂર બન્યાં છે. ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદ માંગી રહ્યાં છે.ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી છે
ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ-અલગ દેશોમાં સ્થાયી થયા છે.
તેઓ પરિવાર સાથે રહીને પોતાનું અને પરિવારજનોની પણ આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે આફ્રિકાના મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીયો પરિવાર સાથે સ્થાયી થયા છે. જેમાં ભરૂચના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે. જોકે, ત્યાં મોઝામ્બિકમાં કોઈ ચુકાદા બાદ હિંસા ફાટી નીકળી છે. ત્યાં રહેતા અને ધંધો કરતાં અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો બની રહ્યા છે. આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાના માહોલ જોવા મળી રહ્યો છે.